Trending News
સ્થાનિક સમાચાર

આયુષ્માન કાર્ડ યોજનાથી ગાંધીધામના વૃદ્ધને મળ્યું નવજીવન

18 September


હાર્ટ એટેક બાદ લાખોના ખર્ચ સામે આયુષ્માન કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં થયું નિઃશુલ્ક ઓપરેશન

ગાંધીધામ - કચ્છઉદય : કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશના નાગરિકોને આ સૌથી મોટી ભેટ છે, જેણે ગંભીર બીમારીમાં લાખો રૂપિયાના ખર્ચની ચિંતા દૂર કરી છે. આ યોજનાથી કચ્છના ગાંધીધામના એક વૃદ્ધને નવજીવન મળ્યું છે.
ગાંધીધામના વૃદ્ધ રાજેશભાઈ શર્માને અચાનક હાર્ટ એટેક આવતા પરિવારજનો તાત્કાલિક અસરથી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તાત્કાલિક ઓપરેશનની જરૂર હોવાનું જણાવી લાખો રૂપિયાના ખર્ચનો અંદાજ આપ્યો હતો. આટલો મોટો ખર્ચ કરવો પરિવાર માટે શક્ય ન હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. આવા કપરા સમયે પરિવાર ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. ત્યાં ફરજ પરના આરોગ્ય સ્ટાફ દ્વારા તેમને આયુષ્માન કાર્ડ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને તાત્કાલિક ધોરણે તેમનું આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું.
આયુષ્માન કાર્ડ બનતા જ ત્વરિત રીફરલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને રાજેશભાઈનું ખાનગી હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. સમયસર અને સારી સારવાર મળતા આજે રાજેશભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય જીવન વ્યતીત કરી રહ્યા છે. સાજા થયા બાદ રાજેશભાઈ અને તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર ખૂબ જ સારી સારવાર મળી છે. જો આયુષ્માન કાર્ડ ન હોત તો ઓપરેશન શક્ય ન હોત. આ માટે અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આરોગ્ય વિભાગ અને રામબાગ હોસ્પિટલના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
----------

Comments

COMMENT / REPLY FROM