Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપામાં બોગસ પીએમસી સર્ટિ. કૌભાંડમાં તપાસ ઠપ્પ ? ભીનું સંકેલવાની કવાયતથી ચર્ચા ગરમ

19 September





વિપક્ષના દેકારા અને કમિશનરની ૧૫ દિવસની ખાતરી બાદ પણ ૧૦ દિવસથી વધુના દહાડા વીત્યા છતાં ડેપ્યુટી કમિશનરે નિવેદનો લેવાનીય તસ્દી ન લીધી : જે પેઢીનું પ્રમાણપત્ર બોગસ અપાયુ છે તેને નગરપાલીકામાં રૂબરૂ દોડી આવી કોની સાથે યોજી બંધ બારણે ગુપ્ત બેઠક? શું મનપાના તપાસનીશો પૈકીના કોઈ ફુટી ગયા?

મનપાના સિટી ઈન્જીનીયર કહે છે આ પ્રમાણપત્ર અમારી કચેરીમાથી નથી ગયુ, હંગામી એનજીનીયર કહે છે સહી મે નથી કરી, મારી સહીનો ગેરઉપયોગ થયો હોઈ શકે, જયારે પીએમસી કંપનીએ ખુલીને નિવેદનો આપ્યા છે કે, આ પ્રમાણપત્ર અમને તત્કાલીન અધિકારીઓની સહમતીથી અને મનપામાથી જ મળેલુ છે, હવે તપાસનીશ ફસાયા છે ત્યા..કે આ પ્રકરણનું ડીંડલુ વાળવુ તો કેવી રીતે વાળવુ?


ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડી અને નવા પદાધિકારીઓ દ્વારા શહેરના પ્રજાહિતના કામોમાં ઢીલાશ દાખવતા હંગામી એન્જિનિયરિંગ સ્ટાફ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ, મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અને અધિકારીઓ જાણે તદ્દન પાણીમાં બેસી ગયા હોય અથવા તો આવા કામચોર અને બેદરકાર અમુક બની બેઠેલા હંગામી એન્જિનિયરોના બચાવમાં હોય તેવો ઘાટ સર્જાયો છે.થોડા સમય પહેલા ગાંધીધામ મહાનગરપાલિકામાં હંગામી એન્જિનિયરના નામે પીએમસી ને બોગસ સર્ટિફિકેટ આપવાનું એક મોટું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. આ મુદ્દે વિપક્ષે પણ સામાન્ય સભામાં ભારે દેકારો મચાવીને સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. અહેવાલો અને વિપક્ષના વિરોધ બાદ મજબૂરીવશ ગાંધીધામ કમિશનરે આ ગંભીર પ્રકરણની તપાસ ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજને સોંપી હતી. અને પંદર દીવસમાં જ આ કેસમાં દુધનુ દુધ અને પાણીનુ પાણી કરી દેવાનો ખોખારો ખાયો હતો પરંતુ જાણકારોના મતે હજુ સુધી આ કેસની તપાસમાં તપાસનીશે કોઈ જ તપાસ આગળ ધરી નથી અને બચાવના મુડમાં જ હોય તેવો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. આ સંદર્ભે તપાસનીશ સંજય રામાનુજનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી જ ન લેતા વિફળ નીવડયો હતો.

.........


બંધ બારણે ગુપ્ત બેઠક અને સર્ટિફિકેટનો ભેદ


ગાંધીધામ : રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, આ પ્રકરણમાં કમિશનર, તપાસનીશ અધિકારી અને રાજકોટની પીએમસી કંપની વચ્ચે બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર તપાસને ઠંડી પાડી દેવા માટે કોઈ આંતરિક ગોઠવણ થઈ હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.મનપાના સિટી એન્જિનિયર સહિતના અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે આ પ્રમાણપત્ર ગાંધીધામ મહાનગરપાલિકામાંથી બન્યું જ નથી. જ્યારે સામા પક્ષે, પીએમસી કંપનીએ અખબારી સ્ટેટમેન્ટમાં સ્પષ્ટ કહી દીધું છે કે જે-તે વખતે કમિશનરની સહમતિથી જ આ પ્રમાણપત્ર ગાંધીધામ મહાનગરપાલિકામાંથી મેળવવામાં આવ્યું હતું.

..........


હવે જાગૃત નાગરિકે જ ફોજદારી ફરિયાદનો વીંઝવો પડશે કોરડો?


તપાસનીશની શંકાસ્પદ ભૂમિકા પર પ્રજાજનોમાં રોષઃ શું ‘પોતાનાઓ’ જ ફેસાવાની ભીતિથી કાર્યવાહી ટાળવામાં આવી રહી છે? : એકવાર જાગૃત નાગરિક દ્વારા કાયદાકીય શસ્ત્ર ઉગામીને ફોજદારી ગુનો નોંધાવવામાં આવશે, તે પછી આ હંગામી તત્વો અને તેમને છાવરતા અધિકારીઓને કોણ બચાવશે? 



ગાંધીધામ : આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર હંગામી બની બેઠેલા તત્વો સામે કાર્યવાહી કરવામાં થરથર કાંપી રહ્યું છે. તંત્રના આવા ઢીલા વલણને કારણે હવે શહેરીજનોમાં અને જાણકારોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ચર્ચા તો ત્યાં સુધી છે કે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો મનપાના જ બની બેઠલા અધિકારી અને ‘પોતાનાઓ’ના પગ તળે સેલાબ આવી જાય તેમ હોવાથી સમગ્ર પ્રકરણમાં બચાવ મુદ્રા અપનાવવામાં આવી રહી છે કે કેમ? તેવા સવાલો ઉભા થયા છે. 
તંત્રના આ ભ્રષ્ટ અને જવાબદારીથી ભાગતા વલણ સામે હવે પ્રજાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરી બાબતોના નિષ્ણાતો અને જાણકારોનું માનવું છે કે, મનપાના માટીપગા અધિકારીઓ ભલે આ કૌભાંડ કે બેદરકારી પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પણ હવે સંકુલનો જાગૃત નાગરિક પોતે જ આગળ આવે તે સમયની માગ છે.જો મનપા તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેવા તૈયાર ન હોય, તો સંકુલના જાગૃત પ્રજાજનો, આરટીઆઈ એક્ટિવીસ્ટો અને સામાજિક કાર્યકરોએ એકઠા થઈને સીધા પોલીસ ચોપડે ફોજદારી ફરિયાદ દાખલ કરાવવી જોઈએ તેવી માંગ પણ થવા પામી રહી છે. 
એકવાર જાગૃત નાગરિક દ્વારા કાયદાકીય શસ્ત્ર ઉગામીને ફોજદારી ગુનો નોંધાવવામાં આવશે, તે 
પછી આ હંગામી તત્વો અને તેમને છાવરતા અધિકારીઓને કોણ બચાવશે? કાયદાના સિકંજામાં જ્યારે આ મામલો આવશે ત્યારે મનપાના આકાઓનો બચાવ મશીનરી પણ નિષ્ફળ પુરવાર થશે તે નક્કી છે.

..........


અધિકારીઓ સુધી રેલો પહોંચવાની દહેશત

ગાંધીધામ : હકીકતમાં તો આધાર-પુરાવા સાથેની વિગતો મહાનગરપાલિકાના તપાસનીશ અધિકારી પાસે પહોંચી ચૂકી છે. છતાં પણ તેઓ કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. ચર્ચા છે કે જો આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થાય તો તેનો રેલો મનપાના ઘણા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે તેમ છે, જેથી તપાસ આગળ ધપાવવામાં નથી આવી રહી.આ કેસમાં તાત્કાલિક અસરથી નિવેદનો નોંધાઈને સાધનિક પુરાવાઓની તપાસ થવી જોઈતી હતી અને જવાબદાર હંગામી એન્જિનિયરોને સસ્પેન્ડ કરવા કે નોટિસ ફટકારવા સુધીનો અહેવાલ વિના વિલંબે કમિશનરના ટેબલ પર મૂકાવો જોઈતો હતો. પરંતુ આવી કોઈ જ તકેદારી રાખવામાં આવી નથી.

........

તપાસ કરવી મનપા માટે કોકડું બની ગયુ છે! એકતરફ ખાઈ અને બીજીતરફ ખાડાનો છે તાલ

ગાંધીધામ : હવે આ તપાસનો વળાંક મહાનગરપાલિકા માટે મોટું કોકડું બની ગયો છે. જો તપાસ યોગ્ય રીતે કરીને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તો કમિશનર સુધીના તમામ અધિકારીઓ જવાબદારીમાં ફસાય તેવી સ્થિતિ છે, અને જો પગલાં ન લેવાય તો મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ભ્રષ્ટાચારીઓ સામે તદ્દન વામણું પુરવાર થઈ રહ્યું છે.


.........

નવી બોડી કડક વલણ અપનાવશે?

ગાંધીધામ : જો હંગામી એન્જિનિયરોની બેદરકારી અને કૌભાંડમાં જવાબદારી ફિટ થતી હોય તો કમિશનરે કડક દાખલો બેસાડવો જોઈએ. સાથે જ તપાસમાં ઢીલાશ મૂકનાર ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજની પણ વહીવટી બેદરકારી કે સેટિંગ મુદ્દે ખુલાસો પૂછવો જોઈએ. જો કમિશનર સ્તરેથી પણ આ બાબતે કચાશ રખાતી હોય તો ગાંધીધામ મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડીએ કમિશનર અને ડેપ્યુટી કમિશનર તમામને નોટિસ ફટકારી જવાબો માંગવા જોઈએ, તે જ અત્યારના સમયનો તકાજો છે.

..........

તપાસના નામે ૧રથી વધુ દિવસ સુધી ‘રજ પર પોદરો’

ગાંધીધામ : તપાસ સોંપાયા બાદ ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજે ૨૫ દિવસ સુધી આ પ્રકરણ પર જાણે કે ‘રજ પર પોદરો’ બેસાડી દીધો હોય તેમ તપાસ આગળ વધારી ન હતી. ૧૫મી ઓગસ્ટ તેમજ અન્ય સરકારી રજાઓ અને સાચા-ખોટા કારણો આગળ ધરી ૨૦-૨૫ દિવસ સુધી તપાસના નામે એક પાંદડું પણ હલાવવામાં આવ્યું ન હતું. આખરે વિપક્ષે ફરી દેકારો કરતા કમિશનરે જાહેર કર્યુ હતું કે, ૧૫ દિવસમાં જ તપાસ આટોપી લેવાશે અને જે પણ દોષિત હશે તેની સામે કડક પગલાં લેવાશે.જોકે, કમિશનરની આ ખાતરી આપ્યાને પણ આજે ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તપાસનીશ ડેપ્યુટી કમિશનરે આ પ્રકરણમાં સંબંધિતોના નિવેદનો લેવાની પણ તસ્દી હાથ ધરી નથી. જેને પગલે રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા જાગી છે કે ગાંધીધામ મનપાનું વહીવટી તંત્ર, તપાસનીશ ડેપ્યુટી કમિશનર તથા સિટી એન્જિનિયર મળીને આ સમગ્ર કૌભાંડ પર પડદો પાડી દેવાના મૂડમાં છે.

.......

Comments

COMMENT / REPLY FROM