આરટીઓના ઈ-ચલણની એપીકે ફાઈલ ખોલતા ખાતામાંથી ૧.૬૭ લાખ કપાયા
મીરજાપરના વેપારીએ ઈ-ચલણ આવ્યો હોવાનું માની વોટસઅપમાં ફાઈલ કલીક કરતા બન્યા ઓનલાઈન ઠગાઈનો શિકાર
ભુજ - કચ્છઉદય : હાલમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં ઉછાળો આવ્યો છે ત્યારે મીરજાપરના વેપારી સાથે આરટીઓ ચલણના નામે ઠગાઈ કરવામાં આવી હતી. એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સહજાનંદ મીરજાપરમાં રહેતા સુનીલ હીરાલાલ ઉમરાણીયાએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો હતો. તેમના મોબાઈલ નંબર ઉપર વોટસઅપમાં આરટીઓ લખેલી એપીકે ફાઈલ આવી હતી. તેમણે ઈ-ચલણનું ટાઈટલ વાચી એેપીકે ફાઈલ ઓપન કરતા ફરિયાદીના ખાતામાંથી ૧,૬૭,૩૬૯ ઉપડી ગયા હતા. જે બાબતે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો મુજબ ગત તા. ૧૬-૯ ના તેમના વોટસઅપ નંબર પર આરટીઓ ઈ-ચલણ નોટીસ નામની ફાઈલ આવી હતી. આરટીઓ લખેલું હોવાથી તેમને થયું કે વાહનનું ઈચલણ આવ્યું છે. ફાઈલ ઓપન કરતા તેમના ક્રેડીટ કાર્ડમાંથી ર૯,૮૬૯ તથા ૭પ,૦૦૦ અને ૬ર,પ૦૦ મળી કુલ્લ ૧,૬૭,૩૬૯ રૂપિયા મંજુરી વગર ઓટીપી શેર કર્યા વીના ઉપડી ગયા હતા. જેથી ઓનલાઈન ઠગાઈની ફરિયાદ નોધાવવામાં આવી હતી.

Comments